ટ્રૅકિંગ


     આજે કોઈને પણ ટ્ર્રૅકિંગ એટલે શું તે સમજાવવું પડે તેમ નથી, કેમ કે આ અંગ્રેજી શબ્દ એટલો વ્યાપક રીતે વપરાય છે કે નાનું છોકરું પણ તેનો અર્થ જાણતું હોય છે. ટ્રૅકિંગને બદલે એમ કહો કે ચાલો પહાડી પદયાત્રા કરવા તો લોકો ગૂંચવાઈ જાય એવું પણ બને ! કેમ કે જ્યાં યાત્રા શબ્દ વપરાય છે ત્યાં તેને મોટે ભાગે ધાર્મિક સંદર્ભમાં લેવાય છે એટલે એમ જ સમજવામાં આવે કે કોઈ ધાર્મિક સ્થાન કે તીર્થદર્શનની વાત હશે. પદયાત્રાને બદલે જો વૉકિંગ, ટ્રૅકિંગ કે હાઈકિંગ જેવા શબ્દો વાપરવામાં આવે તો સાવ જુદો જ અર્થ સમજાય ! હવે અહીં ધીરગંભીર યાત્રા નહી પણ જાણે આનંદની સહેલગાહ હોય એવું લાગવા માંડે, તો અમુકને જાણે કોઈ મોટું પરાક્રમ કરવા જઈ રહ્યાં છીએ એવું પણ લાગે !

      ટ્રૅકિંગ એટલે પ્રકૃતિની ગોદમાં જઈને તેની સાથે એકરૂપ થઈ જવાનો અવસર. જંગલો, પહાડોનો મારગ હોય કે બરફિલા પર્વતો ભણી દોરી જતી દુર્ગમ પગદંડી હોય, મૂળ હેતુ તો કુદરતને માણવાનો જ હોય છે. જે પ્રાકૃતિક તત્વો આપણા રોજરોજનાં જીવનમાંથી દૂર ચાલ્યા ગયા છે તેમની પાસે જવાનો આ એક અવસર હોય છે. આજે આધુનિકતાની દોડ અને જમાનાની સાથે તાલ મેળવવાની લાયમાં જીવન એટલું જટિલ બની ગયું છે કે આપણી પાસે કુદરત પાસે જવાનો સમય જ રહ્યો નથી. આવા સમયે જ્યારે રોજિંદી જિંદગીની બધી ગડભાંજ છોડીને કુદરત વચ્ચે પહોંચી જવાની ઇચ્છા પ્રબળ બની જ જાય અને જ્યારે એવી તક મળે ત્યારે મન ઉત્સાહનાં અતિરેકથી ઊછળી પડે એમાં નવાઈ નથી. 
     આપણે ત્યાં પણ હવે ટ્રૅકિંગનો મહિમા વધી રહ્યો છે, રજાઓમાં યુવાનો સાહસયાત્રાએ નીકળી પડવા થનગની રહેલા દેખાય છે. આ પ્રવૃત્તિનો વ્યાપ વધ્યો હોવા છતાં મોટાભાગે તો ગૃપમાં નીકળવાનું વલણ જ વધારે દેખાય છે, એકલા નીકળી પડવાનું ક્ષેત્ર હજુ આપણે ત્યાં જોઈએ તેટલું ખેડાયું નથી એ સ્વીકારવું પડે. પરદેશમાં તો લોકો ટોળે મળીને ચાલવાનું ભાગ્યે પસંદ કરે. એકાદ બે મિત્રો સાથે કે એકલા જવાનું તેઓને વધારે ગમે છે. તંબુ સાથે લેતા જાય, રસોઈ પણ જાતે બનાવી લે. અને કુદરતી જીવનને ભરપૂર માણવાનો પ્રયત્ન કરે. તેની સામે આપણા મોટાભાગનાં લોકો કુદરત વચ્ચે જઈને પણ તેની મજા લેવાને બદલે પોતાની ટોળટપ્પાંની દુનિયામાં વ્યસ્ત જોવા મળે છે ! સૂસવતા પવનનું સંગીત, પંખીઓનો કલરવ કે નદી-ઝરણાનું સંગીત સાંભળવાને બદલે કાનમાં ઇયરફોન નાખીને આધુનિક ફિલ્મી સંગીત સાંભળતા યુવાનોને જોઈને નિરાશા થાય છે. ગાડરિયા પ્રવાહથી અલગ પડીને કંઈક નવું કરવાનો આ અમૂલ્ય સમય આવી પ્રવૃત્તિમાં વેડફાય જાય છે.

     ઘણા યુવાનોની હાર્દિક ઇચ્છા હોય છે કે ટ્રૅકિંગ કરવા જવું પણ તેમને સમજતું નથી કે કેવી રીતે જવું ? ક્યાં જવું ? શું કરવું ? કેવી તૈયારી કરવી ? આ પ્રશ્નોનો ઉકેલ કોઈ અનુભવી વ્યક્તિ જ લાવી શકે. ટ્રૅકિંગની તત્પરતા વધી છે પણ તેને લાગતી સજ્જતાનો અભાવ જોવા મળે છે. ગૃપમાં આયોજિત ટ્રૅકિંગ કરાવતી અનેક ધંધાદારી સંસ્થાઓ નીકળી છે અને તેઓ ટ્રૅકિંગને લાગતી બધી જવાબદારી સંભાળીને વ્યવસ્થા કરી આપે છે. આમાં જોડાઈને ગમે તે લોકો પોતાની મહેચ્છા પૂરી કરી શકે છે. આમાં ખોટું કંઈ નથી જેમની પાસે કોઈ આગોતરી તૈયારી નથી પણ અનુભવ લેવો છે એવા લોકો માટે એ યોગ્ય જ છે પણ આ પ્રકારનાં પ્રવાસમાં સાહસની લાગણી પોષાતી નથી એ કહેવું પડે. આવા પ્રવાસોમાં સભ્યોએ બસ માત્ર ચાલવાનું જ હોય છે, ખાવા પીવાની કે રહેવાની ચિંતા તેમણે કરવાની હોતી નથી. બધું જ પૂર્વનિયોજિત રીતે ચાલતું રહે, રોજ અમુક અંતર કાપવાનું, અમુક જગ્યાએ વિશ્રામ કરવાનો અને આયોજક કહે ત્યાં અટકી જવાનું. અહીં જે તે સ્થળનાં સૌંદર્યને માણવાનો વિકલ્પ મળે, મિત્રો સાથે મુક્ત પણે આનંદ પ્રમોદ કરવા મળે અને કંઈક નવું કર્યાનો સંતોષ થાય પણ ચિત્તની આઝાદીનો આનંદ મળે, આજીવન ઉપયોગી થાય એવા અનુભવોનું ભાતું બાંધવા મળે એમ તો ન કહી શકાય. પ્રકૃતિ વચ્ચે જવાની આ તકને કેટલાક લોકો પોતાની કાયમની ચિંતાઓના બોજ હેઠળ વેડફી પણ નાખે છે. એટલે જ ટ્રૅકિંગ પર જતા પહેલા તે માટે માનસિક રીતે તૈયાર થવાની જરૂર હોય છે. 

     પહેલી જરૂરિયાત તો પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવવાની હોય છે, કુદરતી તત્વો સાથે દોસ્તી બાંધવાની હોય છે. કુદરતનાં બધા નહી તો એકાદ બે પરિબળ તો તમારા શોખનાં વિષય હોવા જ જોઈએ. ફૂલોનો કે વનસ્પતિનો શોખ, પંખીદર્શન અને તેમના અભ્યાસની લગની, ભૌગોલિક વિચિત્રતાનું કુતૂહલ, ચિત્રકલાનાં માધ્યમથી પ્રકૃતિને આલેખવાની આવડત કે કૅમેરાની કલાથી અવનવા દેખાવોને ઝડપવાનો છંદ. આ બધું જ પ્રકૃતિને સમજવા માટે અને આપના પ્રવાસને સાર્થક કરવા માટે જરૂરી છે. આવા શોખ કેળવાયેલા હશે તો તમારો પ્રવાસ ક્યારેય નિરર્થક નહી જાય.

     થાકેલો માણસ ક્યારેય મન મૂકીને આનંદ માણી શકતો નથી એટલે શારીરિક સજ્જતા પણ એટલી જ જરૂરી છે. આગોતરી તૈયારી કરો, રોજ રોજ લાંબું ચાલવાનો મહાવરો કરો, દોડો, તરો, વ્યાયામ અને આસનો કરો, આ બધાનો લાભ ટ્રૅકિંગમાં પ્રત્યક્ષ જોવા મળશે. તન અને મનનો સંબંધ જાણીતો છે. માનસિક દ્રઢતા અનેક મુશ્કેલીઓ હળવી કરીને ઉત્સાહનું સર્જન કરશે મુસીબતમાં ગભરાઈ જવાને બદલે શાંત ચિત્તે તેના પર વિચાર કરવાની આદત કેળવો, આકળવિકળ થવાને બદલે ધીરજથી કામ લેવામાં જ અનેક પ્રશ્નોનું નિરાકરણ આપોઆપ થઈ જાય છે.
     ટ્રૅકિંગ એટલે પદયાત્રા, આપણે ત્યાં તેની નવાઈ નથી,  એક જમાનામાં જ્યારે વાહનો ન હતા ત્યારે દરેક જણે ચાલવું જ પડતું, ઘરથી ખેતર સુધી, એક ગામથી બીજે ગામ, ધાર્મિક યાત્રાઓ તો દિવસો નહી પણ મહિનાઓ સુધી ચાલતી ! કહેવાનો મતલબ એટલો કે આજે આપણે જેને `ટ્રૅકિંગ´ જેવું ભારે નામ આપ્યું છે એ તો આપણા રોજરોજનાં જીવનનો એક હિસ્સો જ હતો ! હવે એ શક્ય નથી, કેમ કે જીવન પહેલા જેવું સરળ નથી. અને એવી જરૂરિયાત પણ નથી પણ એ કારણે જ સમાજમાં આરોગ્યને લાગતી અનેક સમસ્યાઓ પણ ઊભી થઈ છે. એટલે જ જીવનમાં વ્યાયામનું મહત્વ ખૂબ છે.

      પ્રાચીનકાળથી દરેક સમાજનાં લોકો એવી યાત્રા કરતા આવ્યા છે. આજે યાત્રાની વ્યાખ્યા બદલાઈ હોવા છતાં અનેક લોકો પુરાણી રીતે ચાલવાનું પસંદ કરે છે અને ખરેખરી યાત્રા કર્યાની પાવન અનુભૂતિ મેળવે છે. આવી પદયાત્રામાં જ્યારે હિમાલય ભળે ત્યારે તો એક અલૌકિક વાતાવરણનું સર્જન થાય. હિમાલયનાં જંગલો, પહાડો, નદીઓ, ખીણોને વટાવતી એક પગદંડી જઈ રહી છે અને તેના પર યાત્રી પ્રવાસ કરી રહ્યો છે એ કલ્પના જ કેટલી ઉત્કટ છે ! એ પરિવેશ અને એ યાત્રી બન્ને મળીને જે ચિત્રસંયોજન યોજે છે તે જાણે કાલિદાસ જેવા મહાકવિઓની રચનામાં આવતા વર્ણનોને યથાર્થ જીવંત કરી દેખાડે છે. એવા જ કોઈ સંયોજનનો આપણે પણ હિસ્સો હોઈએ તો ?
-હસમુખ જોષી.
      

Comments

Popular posts from this blog

પંચકેદાર

હિમાલયની એક રાત !

ગંગોત્રી પદયાત્રા