હિમાલયનો આનંદ
આજે વિચાર કરું છું કે, પહેલીવાર હિમાલયમાં પગ મૂક્યો તેને કેટલા વરસો
વીતી ગયા છે, છતાં તેનું
આકર્ષણ કેમ ઓછું નહી થતું હોય ? કેટલાક શોખ
ચિરંતન કૌતુક લઈને આવતા હોય છે, તેની સાથે
જોડાયેલા અચરજ અને કુતૂહલ ક્યારેય ઓછા નથી થતાં. હિમાલય વિષે તો કહેવાય છે કે એક
વાર જે વ્યક્તિ ત્યાં જાય છે તે પછી ક્યારેય તેનાં સંમોહનમાંથી છૂટી શકતો નથી,
તેને વારંવાર ત્યાં જવું
જ પડે છે. પણ મને તો તેની માયા ત્યાં ગયો એ પહેલા જ લાગી ગઈ હતી !
સાવ નાનો હતો ત્યારે એક વાર દાદાજીનાં
પુસ્તકો ફંફોળતા ફંફોળતા એક ચોપડી હાથમાં આવી, કાચું પૂંઠું અને પીળા પાના, ભુખરા રંગનાં પૂંઠા ઉપર કોઈ ચિત્ર ન હતું કે
અંદર પણ ચિત્રો ન મળે, માત્ર એક નકશો
આપ્યો હતો એટલું જ. બાળપણની એ ઉંમરે તો આવી ચોપડી હાથમાં આવતા જ એક બાજું મૂકી
દેવાની હોય કેમ કે બાળકોને ગમે એવું તેમાં કંઈ હોતું નથી. પણ ગમે તે કારણ હોય એ
ચોપડી મને ગમી ગઈ ! ત્યારે તો હજુ માંડ વાંચતા શીખ્યો હોઈશ છતાં એ ચોપડીનું વાચન
ચાલું કર્યું, અરધું સમજાય અને
અરધું શું ચાલે છે એ ખબર પણ ન પડે છતાં તેનું વાચન ચાલું રાખ્યું. બાળવાર્તાઓ અને
બાળકોનાં સામયિકોમાંથી બહાર નીકળીને કોઈ ચોપડી વાંચી હોય તો આ પહેલી જ હતી. ધીરે
ધીરે તેમાં એટલો રસ પડવા લાગ્યો કે પછી તો એ બીજી વાર વાંચી અને ત્રીજી વાર પણ
ફેરવી નાખી હશે ! એ ચોપડી એટલે કાકાસાહેબ કાલેલકરનો પ્રસિદ્ધ `હિમાલયનો પ્રવાસ´, હિમાલયનું પહેલું દર્શન મને તેણે કરાવ્યું
હતું.
જે વ્યક્તિએ હિમાલય જોયો નથી અને માત્ર
વર્ણનો જ વાંચ્યા હોય તો તેમના મનમાં અવનવી કલ્પનાઓ દોડવા લાગે, મારા નાનપણનો જમાનો એવો હતો કે ત્યારે તો
ટીવીનું આગમન પણ દૂર હતું અને છાપામાં ફોટાઓ પણ બ્લેક-વ્હાઈટ જ આવતા, કોઈ વિદેશી મૅગેઝિનનું રંગીન પાનું જોતા તો આભા
બની જવાતું ! એવા સમયમાં તો વર્ણન વાંચીને દૃશ્યની કલ્પના જ કરવાની રહેતી. ફોટાઓ
આજની જેમ સુલભ ન હતાં. પણ મને લાગે છે કે એ કારણે જ મનમાં જે ચિત્રો રચાયા હતા એણે
જ વધારે જિજ્ઞાસા જગાવી હતી. આજે બધું સુલભ બન્યું એટલે જ આપણી કલ્પના શક્તિ પણ
એટલી નબળી પડી છે એમ લાગે છે.
આ પુસ્તક વાંચી લીધા પછી જ હિમાલયનું આકર્ષણ
જાગ્યું અને એક સંકલ્પએ મનમાં આકાર ધર્યો કે ક્યારેક તો આ લેખકનાં પગલે પગલે
હિમાલયદાદાનો ખોળો ખૂંદવો જ છે. સંકલ્પનું જોર હોય કે પછી નસીબમાં હિમાલય લખાયો હોય
એ કોણ જાણે, પણ આગળ જતાં તો
હિમાલયની ભરપૂર કૃપા મારા પર વરસી પડી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી લાગતી.
યુવાનીમાં પગ ધરતા જ હિમાલય જવાનો યોગ
સર્જાયો અને કાશ્મીરની ખૂબસૂરત ખીણમાં ઊભા રહીને પહેલીવાર નગાધિરાજ હિમાલયનાં
દર્શન થયા ત્યારે મનમાં ઊઠેલી ધન્યતાની લાગણીઓને આજે પણ એવીને એવી વર્ણવી શકું તેમ
છું ! એ પ્રથમ પ્રવાસે જ એવી મોહિની લગાડી કે ત્યારથી માંડી આજ સુધી ભાગ્યે એકાદ
વરસ એવું વીત્યું હશે કે તેમાં હું હિમાલય ન ગયો હોઉં.
પ્રવાસી બન્યો અને આગળ જતાં તો હિમાલયમાં જ
રહીને પર્વતારોહી બનીને કેટલાય નાના મોટા પર્વતો સર કરવા ભાગ્યશાળી બન્યો, ટ્રેકિંગનો તો કોઈ પાર નહી. કાશ્મીરથી માંડીને
છેક આસામ સુધીનો હિમાલય ફરી વળવાની અનેક તક મળી એને પરમ સદ્ ભાગ્ય નહી તો બીજું
શું કહેવાય ?
બાળપણમાં પેલી ચોપડી વાંચીને હિમાલયનાં જે
ચિત્રો મનમાં રચાયા હતાં એ તો આજ સુધી અડીખમ રહ્યાં છે. અને એ કારણે જ હિમાલયમાં
સ્વર્ગ સમાન પ્રદેશો અને સ્થાનો જોયા છતાં મને તેમાં ઉત્તરાખંડ જ સૌથી વધારે
ખેંચતો રહ્યો, તેનું કારણ પણ
કદાચ એ પુસ્તકનો જ પ્રભાવ હશે. અનેકવાર એ મારગે ગયો, અને આજે પણ જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યાં
જ જઈને મનોભાવોને તૃપ્ત કરતો રહું છું. યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનારાયણની એ ભૂમિને કેટલીય વાર
પગદંડીનાં રસ્તે ચાલીને માણી હોવા છતાં તેનું આકર્ષણ એવું ને એવું ઊભું છે.
અત્યારે આ લખી રહ્યો છું ત્યારે એમ થાય છે કે ચાલ ઊડીને ત્યાં પહોંચી જાઉં !
પરિવર્તન એ સંસારનો નિયમ છે, એ નિયમ બધે સમાન રીતે લાગુ પડે છે. કાકાસાહેબે
પ્રવાસ કર્યો તે વાતને એક સદીથી પણ વધારે સમય થયો છે, હિમાલયની અખંડ વહેતી નદીઓમાં ત્યારથી માંડી આજ
સુધીમાં કેટલું બધું પાણી વહી ગયું છે ! પરિવર્તનનાં વાયરાએ હિમાલયને પણ છોડ્યો
નથી. પહેલા જ્યાં પહોંચવા માટે દિવસો સુધી જોખમ ભરેલી કેડીઓ પર ચાલવું પડતું,
નદીઓ અને ઝરણામાં ખુલ્લા
પગે ઊતરીને તે ઓળંગવા પડતાં. પહાડોના દુર્ભેદ દિવાલો જેવા ચડાણો પાર કરવા પડતાં,
ગાઢ જંગલોને વટાવવા પડતાં
ત્યાં આજે સરસ મજાની સડકો બની ગઈ છે અને વાહનમાં બેસીને થોડા કલાકોમાં તો નિર્ધારિત
સ્થાને આરામથી પહોંચી શકાય છે પરિણામે અશક્ત અને વૃદ્ધ યાત્રીઓ પણ
આજે તો ચાર ધામની યાત્રા કરીને પુણ્યનું ભાતું બાંધી શકે છે. યુવાનો કોઈ
ટ્રેકિંગનું ડેસ્ટિનેશન લઈને થોડા દિવસો માટે આનંદપ્રમોદ કરી શકે એ માટે અનેક
સંસ્થાઓ તેમને બધી સગવડો પૂરી પાડે છે, તો સમૃદ્ધ લોકો હેલિકૉપ્ટરમાં ઊડીને પણ હિમાલયનાં દર્શન તાબડતોડ કરીને પાછા ઘરઆંગણે
આવી શકે છે.
હિમાલયનો વિકાસ એટલી ઝડપે થઈ રહ્યો છે કે ન
પૂછો વાત ! પણ મારા જેવા કેટલાકને મન આ ઝડપ અને આ રીત મન હેઠે નથી આવતી. એમ લાગે
છે કે આ પવિત્ર ભૂમિને તો પગે ચાલીને જ માણવી જોઈએ. જુના પદયાત્રીઓનાં નસીબમાં જે
હતું તેનો એક અંશ પણ આજે વાહનોમાં સવાર થઈને જનારાને મળતો નથી. જે ઝડપે પ્રવાસ થયા
છે એ જ ઝડપે તેની યાદો પણ વીસરાઈ જાય છે. કારણ કે એનું દ્ગઢીકરણ થયુ જ નહી હોતું.
હિમાલય એ માત્ર જોવાનો પ્રદેશ નથી, એ તો અનુભવવાનો
પ્રદેશ છે. આત્મસાત્ કરવાનો પ્રદેશ છે. તેના સાથે એકાકાર થઈને જ માણસ તેને સમજી
શકે, તેને માણી શકે. જે તેનો
ભક્ત બને છે તે જ તેની પૂરી કૃપા મેળવી શકે છે.
હિમાલયનાં આવા દિવ્યલોકને માણવા અને સમજવા
માટે મારે લાંબી લાંબી અનેક પદયાત્રાઓ કરવી પડી છે. મહિનાઓ સુધી હિમપર્વતોનાં
સાંનિધ્યમાં રહીને પરમ સૌંદર્યનું ધ્યાન ધર્યા પછી જ કેટલાક રહસ્યો જાણી શક્યો છું
અને એટલે જ આજે પણ હિમાલયમાં ચાલવાનું જ પસંદ કરું છું.
હિમાલયમાં સડકો ભલે પહોંચી પણ હજુ પણ એવા
અનેક દુર્ગમ સ્થાનો બાકી છે કે ત્યાં ભાગ્યે કોઈ જતું હશે, ઊંચા પર્વતશિખરો પર આવેલા કેટલાયે રળિયામણાં
મેદાનો, હિમનદીઓનાં
પીગળેલા બરફથી બનેલા નિર્મળ સરોવરો, તો નજર પડતા જ ઘડીભર દુનિયાનું ભાન ભૂલી જઈએ એવી વિસ્તૃત ખીણો, આવું તો હજુ ઘણું બાકી છે ત્યાં નવા જમાનાની
હવા પહોંચી નથી. ત્યાં તો હજુ એજ પરમ શાંતિ અને પવિત્રતા પથરાયેલી છે કે જેવી યુગો
પહેલા આપણા ઋષિમૂનિઓએ અનુભવી હતી. ત્યાં પહોંચવું આસાન નથી હોતું પણ જ્યાં આસાનીથી
પહોંચાય છે તે સ્થાનનાં કેવા હાલ થાય છે એ કોણ નથી જાણતું ? જે સહેલાઈથી મળે છે તેની કિંમત પણ હોતી નથી. જે
કષ્ટસાધ્ય છે તેની જ કદર થાય છે. હિમાલયનાં આવા દુર્ગમ સ્થાનો તેની દુર્ગમતાને
લઈને જ આજે સુરક્ષિત રહ્યાં છે. આવ કેટલાય સ્થાનો નિહાળવાનું ભાગ્ય મળ્યું છે. આજે
તેનું સ્મરણ કરતા પણ મસ્તક આદરથી નમી જાય છે. અને મન ફરીવાર ત્યાં પહોંચવા તલપાપડ
બની જાય છે.
મારો હિમાલય પ્રેમ એ પેલી બાળપણમાં વાંચેલી
અને આજે મારા માટે આરાધ્યગ્રંથ બનેલી ચોપડીનો પ્રભાવ છે એમ કહું તો ખોટું નહી. એ
ચોપડીએ તો આજ સુધીમાં કેટલા લોકોને હિમાલયનાં મારગે ચાલતા કર્યા હશે એ કોણ કહી શકે
? મારા જેવા કેટલાયે
ભેખધારીઓ પણ પેદા કર્યાં હશે જ ! એ ચોપડીનું ઋણ તો ક્યારેય ચુકાવી શકાશે નહી. એવી
ચોપડીઓ આજે લખાતી નથી કેમ કે એવા પ્રવાસો જ થતા નથી ! જે એવા પ્રવાસો કરી શકે છે
તેઓ લખી શકતા નથી અને લખી શકે છે તેઓ પ્રવાસ ખેડવાની હિંમત કરી શકતા નથી ! મને
લાગે છે મારે પ્રયત્ન કરવો જોઈએ. આપણા આનંદમાં બીજાને સહભાગી બનાવવામાં પણ એક
પ્રકારની સાર્થકતા રહેલી છે. અને કોઈ આપણામાંથી પ્રેરણા લે એ તો ધન્યતાની
પરાકાષ્ઠા ગણાય. પ્રયત્ન કરી રહ્યો છું. હિમાલયને કેટલો ન્યાય આપી શકીશ એ તો સમય
બતાવશે. અસ્તુ.
-હસમુખ જોષી.
એકદમ સરળ આલેખન, ધન્યવાદ🌻🌻🕉️
ReplyDelete